ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 7:41 પી એમ(PM) | સંસદ

printer

વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દે શોરબકોર કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજનાં દિવસ પૂરતી મોકૂફ

એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચના આરોપો સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોએ ભારે હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજનાં દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિરોધ પક્ષોનાં સાંસદોએ એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચનાં આરોપો, મણિપુરની હિંસા અને ઉત્તરપ્રદેશનાં સંભલમાં હિંસા જેવા મુદ્દે નિયમ 267 હેઠળ આપેલી ગૃહ મોકૂફીની નોટિસને સભાપતિ જગદીપ ધનખડે ફગાવી દીધી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યસભાએ સભાપતિનાં નિર્દેશનું પાલન કરવાની સ્થાપિત પરંપરાને અનુસરવાની જરૂર છે. વિરોધ પક્ષનાં સભ્યોએ ગૃહમાં શોરબકોર કરતા ગૃહની કાર્યવાહી 11-30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે ગૃહ ફરી મળ્યું ત્યારે વિરોધ પક્ષનાં સભ્યો ફરી એ જ મુદ્દાઓ ઉઠાવતા ગૃહને દિવસ માટે મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
લોકસભામાં પણ ગૃહ પુનઃ મળ્યું ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી અને અન્ય વિપક્ષી સભ્યોએ સમાન મુદ્દાઓ પર સુત્રોચ્ચાર કર્યા. પીઠાસીન અધ્યક્ષની વારંવારની વિનંતી છતાં વિરોધ ચાલુ રહેતાં ગૃહને દિવસ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હતું.