માર્ચ 17, 2025 7:14 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આદિજાતિ વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું કે ગયા વર્ષના 4 હજાર 374 કરોડ રૂપિયાની સામે આગામી વર્ષમાં 746 કરોડ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. જે વર્તમાન સરકારની આદિવાસી બંધુઓના વિકાસની ઈચ્છાશક્તિ દર્શાવે છે. આ બજેટ આદિજાતિ વિભાગના ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી વધુ રકમનું બજેટ છે. તેમણે જણાવ્યું કે વનબંધુ કલ્યાણ યોજનામાં એક લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો લક્ષ્યાંક હાંસલ થયો છે.
શ્રી ડીંડોરે ઉમેર્યું કે આ યોજના અંતર્ગત આદિવાસી કુટુંબોને ગુણવત્તાયુકત રોજગારી, પરિણામલક્ષી શિક્ષણ, વેગવંતો આર્થિક વિકાસ, પીવાનું ચોખ્ખું પાણી, સાર્વત્રિક વીજળીકરણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આદિજાતિના સર્વાંગી વિકાસને રાજ્ય સરકારે અગ્રતા આપી છે. વર્ષ 2001 સુધીમાં આદિવાસીઓને માત્ર 28 હજાર 317 કૃષિ કૂવા વીજ જોડાણ સામે વર્ષ 2023 સુધીમાં 2 લાખ 69 હજાર 986 જોડાણ આપવામાં આવ્યા છે.