ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 22, 2024 8:33 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં આજે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા

વિધાનસભામાં આજે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.
શ્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ સરકારી યોજનાઓ માટે કરનારુ ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે. જપ્ત થયેલા વાહનોની હરાજી બાદ જો‌ કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય, તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે.
દરમિયાન, વિધાનસભા ગૃહમાં આજે પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો..
આ સુધારા અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ “પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૭૪ “ની જોગવાઇઓને બિન-ગુનાહિત કરવાનો છે. જેથી રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં અધ્યક્ષની નિમણૂંકની પ્રક્રિયા તેમજ સમગ્ર કાર્યપ્રણાલી સરળ બને.
પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા રજૂ કરાયેલ આ સુધારા અધિનિયમ અંતર્ગત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને તેમની સેવાના નિયમો અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકામાં નિર્ધારિત કરવામાં આવશે.