નવેમ્બર 12, 2025 8:13 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું, ભારત કેનેડા સાથેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા આતુર

વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે કેનેડામાં જી-7 દેશના વિદેશ મંત્રીઓની બેઠકથી અલગ કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે આ આયોજનની યજમાની બદલ સુશ્રી આનંદને શુભેચ્છાઓ પાઠવી અને નવી વ્યૂહરચના 2025ના અમલીકરણમાં થયેલા વિકાસની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ભારત આ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા આતુર છે.
શ્રી જયશંકરે મેક્સિકોનાં વિદેશ મંત્રી ડૉક્ટર જુઆન રામોન ડૅ લા ફુએન્તે સાથે પણ મુલાકાત કરી. દરમિયાન વેપાર, વાણિજ્ય, આરોગ્ય, ઔષધીય બનાવટો, વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રમાં સહકારને આગળ વધારવા અંગે ચર્ચા કરી. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નૉએલ બેરોટ સાથેની બેઠકમાં બંને નેતાએ પોતાની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા બાદ બહુપક્ષીય પાસાઓ અંગે સહકારને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી.
તો બ્રિટનના વિદેશ સચિવ યવેટ કૂપર સાથેની મુલાકાતમાં શ્રી જયશંકરે દ્વિપક્ષીય સંબંધમાં સકારાત્મક ગતિ અને મુખ્ય ક્ષેત્રમાં સહકાર વધારવા અંગે ભારત-બ્રિટન વિઝન 2035ની પુષ્ટિ કરી. કાર્યક્રમ દરમિયાન વિદેશમંત્રીએ બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરા, જર્મનીના વિદેશમંત્રી જોહાન વેડફૂલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી રોનાલ્ડ લામોલા સાથે મુલાકાત કરી