મે 20, 2025 7:09 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે હેગમાં નેદરલૅન્ડ્સના પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આજે હેગમાં નેદરલૅન્ડ્સના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ સાથે મુલાકાત કરી. દરમિયાન, બંને નેતાઓએ ભારત-નેદરલૅન્ડ્સ સંબંધમાં વધતા જતા વ્યૂહાત્મક સમન્વય પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ નિયમિત ઉચ્ચસ્તરની મુલાકાત અને આપ-લે દ્વારા દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવા પણ સંમત થયા. શ્રી જયશંકરે આતંકવાદ સામેની લડાઈમાં નેદરલૅન્ડ્સના એકતાના નિવેદનની પ્રશંસા કરી હતી.
શ્રી જયશંકરે, નેદરલૅન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકૅમ્પ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સહકારના સમગ્ર ક્ષેત્રની પણ સમીક્ષા કરી. મંત્રીઓએ વેપાર, અર્થતંત્ર, વિજ્ઞાન, ટેક્નોલૉજી, પાણી, ખેતી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ડિજિટલ ટેક્નોલૉજી, સેમિ-કન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને ગ્રીન હાઈડ્રૉજનના નવા અને ઉભરતા ક્ષેત્રમાં સહકાર વધારવાની રીત પર પણ ચર્ચા કરી.
ડૉ. જયશંકરે નેદરલૅન્ડ્સના સંરક્ષણ મંત્રી રુબેન બ્રેકેલમેન સાથે પણ મુલાકાત કરી અને બંને દેશ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહકારને આગામી સ્તર પર લઈ જવાની તક પર ચર્ચા કરી. બંને પક્ષ સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવા સંમત થયા હતા.