વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27 હજાર 195 મત મળ્યા હતા.
ગઈ કાલે પાલનપુરની જગાણા સ્થિત સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી, જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને છેલ્લા ત્રણ રાઉન્ડમાં લીડ કાપીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી હતી. આ સાથે વાવ વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 162 થયું છે. રાજ્યમાં અનેક સ્થળોએ વાવ વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ ખાતે બગવાડા દરવાજા ચોકમાં ગઈ કાલે સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરના નેતૃત્વમાં આયોજિત આ આતશબાજી કાર્યક્રમમાં પક્ષનાં હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગરમાં પણ ગઈ કાલે સાંજે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શહેર ભાજપ સંગઠન દ્વારા ઘોઘાગેટ ખાતે ફટાકડા ફોડીને તેમજ એકબીજાના મોં મીઠા કરાવીને વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. દીવ ભાજપ કાર્યાલય ખાતે પણ ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ફટાકડા ફોડી ને વિજય ની ઉજવણી કરી હતી.
Site Admin | નવેમ્બર 24, 2024 8:04 એ એમ (AM) | વાવ વિઘાનસભા
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય
