રાજ્યમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. ગઇકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના કપરાડામાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાબરકાંઠાના પોશીનામાં સાડા પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો..ધરમપુર, રાધનપુર, ઉમરગામ અને ભચાઉમાં 4 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે.અમદાવાદમા ગઇકાલ સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં 1 થી સવા ઇંચ જેટલો વરસાદ નોધાયો છે વાસણા બેરેજમાં 60 હજાર 543 ક્યુસેક પાણીની આવક થતાં 27 દરવાજા ખોલી 25 હજાર 682 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજમાં સફેદ સિગ્નલ આપીને આગમચેતી રાખવા જણાવ્યું છે.અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ રાધનપુર તાલુકામાં 4 ઇંચ પાટણ- સિધ્ધપુર અને સાંતલપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ચાણસ્મા, હારીજ, સરસ્વતી, સમીમાં તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદના કારણે રાજકોટ તાલુકા પાસેનો ફાડદંગ બેટી ડેમ ઓવર ફ્લો થતા બેડલા, જામગઢ, લાંબા કોટડી, ફાડદંગ, રફાળા, રામપરા, મઘરવાડા, પારેવાળા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.દરમિયાન ગઇકાલે સવારે વાડીએથી પરત ફરતા મોવૈયા પાસે વોકળામાં તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. વરસાદના કારણે લાલપરી જળાશય ઓવર ફ્લો થતાં અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા રાજકોટના નવાગામ તથા બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.ગાંધીનગર સંત સરોવર પાણીની આવકમાં થયો તથા 21 દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નિચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરાયા છે.છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે રામી ડેમ ભરાઈ જતાં જિલ્લા કલેકટરે ડેમ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 8:52 એ એમ (AM)
વલસાડના કપરાડામાં 10 ઇંચ જેટલા સાંબેલાધાર વરસાદ સાથે 242 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
 
		