વડોદરા જિલ્લામાં પાદરા નજીક આજે વહેલી સવારે પુલનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા. નવ લોકોને બચાવીને પાંચને સારવાર માટે ખસેડાયા છે. આ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પુષ્ટિ આપી હતી કે આ ઘટના વહેલી સવારે બની હતી, જેમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિને ઘટના સ્થળે મોકલી છે.
ઘટનાને પગલે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સહિત સ્થાનિક અધિકારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ-NDRF ની એક ટીમને ખાસ સાધનો સાથે તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રીએ પૂલ તૂટી પડવા અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી પ્રાથમિક અહેવાલ પણ માંગ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ કરી મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ- P.M.N.R.F. માંથી બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી.