વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે. દરમિયાન આજે વહેલી સવારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- N.D.R.F. સહિતની બચાવ ટુકડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું, આજે સવાર સુધીમાં કુલ ત્રણ પાર્થિવ દેહ મળ્યા છે, જેમાંથી બેની ઓળખ થઈ છે. જ્યારે એક પાર્થિવ દેહની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. હજી પણ ગુમ થયેલા ચાર લોકોની શોધખોળ ચાલુ છે.
રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી ધનંજય દ્વિવેદી આજે વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હૉસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ ઘટનાના ચાર ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા. રાજ્ય સરકાર ઈજાગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડશે તેવી ખાતરી પણ તેમણે આપી.
બીજી તરફ, બ્રિજ દુર્ઘટના અંગે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. તેમણે આજે તેમના નિવાસસ્થાને આ ઘટના અંગે ચર્ચા કરવા એક બેઠક યોજી હતી.
Site Admin | જુલાઇ 10, 2025 7:38 પી એમ(PM)
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 થયો. – જવાબદાર ચાર અધિકારીને ફરજમોકૂફ કરાયાં.