મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું: ‘કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારિરિ પાર્ક, બુદ્ધિસ્ટ મૉનેસ્ટ્રી, થીમ પાર્ક જેવા વારસાના કારણે વડનગર દેશવિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’ મહેસાણામાં વડનગરના પૌરાણિક અને પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરમાં આયોજિત ત્રણ દિવસના મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.
રાજ્યના મહત્વના તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અજોડ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
દરમિયાન શ્રી પટેલે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા પાંચ કરોડ 53 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી પટેલ શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શૉની સુવિધા ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રાસ્થળ બન્યું છે.
Site Admin | માર્ચ 24, 2025 3:33 પી એમ(PM)
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અજોડ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
