લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ 150 યુનિટી માર્ચને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ પાર્કથી મહાત્મા મંદિર અને ટાઉનહૉલ સુધી યોજાયેલી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી એકતા દોડમાં પોલીસ, અગ્નિશમન દળ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.
તાપીના વ્યારા ખાતે “દોડશે તાપી જોડશે ભારત” વિષયવસ્તુ હેઠળ એકતા દોડ યોજાઈ, જેમાં અધિકારીઓ, પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો સહિતના નાગરિકો જોડાયા હતા. ત્યારબાદ તમામ લોકોએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા.
ભરૂચમાં શક્તિનાથ સર્કલ, પંચબત્તી સર્કલ સહિતના વિસ્તારમાં એકતા દોડ યોજાઈ હતી.
કચ્છના ભુજમાં યોજાયેલી એકતા દોડનું ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ પ્રસ્થાન કરાવ્યું. આર. ડી. વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ, જયનગર થઈ આ દોડ આર. ડી. વરસાણી ખાતે પૂર્ણ થઈ હતી.
નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી એકતા દોડમાં ધારાસભ્ય, સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ, રમતવીરો સહિત 630થી વધુ નાગરિકો જોડાયા હતા.
Site Admin | ઓક્ટોબર 31, 2025 4:01 પી એમ(PM)
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડનું આયોજન કરાયું.