ડિસેમ્બર 9, 2025 8:13 પી એમ(PM)

printer

લોકસભામાં ચૂંટણી સુધારાઓની ચર્ચા ચાલી રહી છે

લોકસભા ચૂંટણી સુધારાઓની ચર્ચામાં ભાગ લેતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ – SIR ઘણી વખત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે વિપક્ષ આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યું છે. તેમણે દેશની મતદાન પ્રણાલીની પ્રશંસા કરતા કહ્યું કે આઝાદી પછી દરેકને સમાન મતદાન અધિકારો મળ્યા છે.
ચર્ચામાં ભાગ લેતા, ભાજપના નિશિકાંત દુબેએ કહ્યું કે ભાજપ વોટ બેંક રાજકારણને બદલે રાષ્ટ્રીય હિતનું રાજકારણ કરે છે. તેમણે વિપક્ષી પક્ષો પર
SIR અંગે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા ઘુસણખોરોના મતોથી ચૂંટણી જીતે છે, જેના કારણે તેઓ SIRનો વિરોધ કરી રહ્યા છે.
ચૂંટણી સુધારાઓ પર બોલતા, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે બિહારમાં SIR પર ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો, અને આરોપ લગાવ્યો કે મતદાન યાદીમાં એક લાખ 20 હજાર ડુપ્લિકેટ ફોટોગ્રાફ્સ હાજર છે.
લોકસભામાં આજે ચૂંટણી સુધારા પર ચર્ચા શરૂ કરતાં કોંગ્રેસ પક્ષના મનીષ તિવારીએ કહ્યું કે ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ – SIR લાગુ કરવા પાછળના કારણો રજૂ કરવા જોઈએ.
ભાજપના સંજય જયસ્વાલે કહ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલી બિહાર ચૂંટણીમાં મળેલી મોટી હાર પરથી ધ્યાન હટાવવા માટે વિપક્ષ SIRનો મુદ્દો ઉઠાવી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ હોય તો જ સુધારા શક્ય છે. તેમણે મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું.
તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે SIR પ્રક્રિયા સાથે સંકળાયેલા કામના ભારણને કારણે દેશના વિવિધ ભાગોમાં ઘણા BLOએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય મંત્રી અને જનતા દળ યુનાઇટેડના નેતા રાજીવ રંજન લલ્લન સિંહે કહ્યું કે ચૂંટણી પંચ SIR સારી કામગીરી કરી રહ્યું છે, અને આ એક યોગ્ય પગલું છે.
શિવસેના-UBT સાંસદ અનિલ દેસાઈએ કહ્યું કે EVM ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ થવો જોઈએ.
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ અભય કુમાર સિંહાએ બિહારમાં ચૂંટણીના સંચાલન પર સવાલ ઉઠાવ્યા હતા.