લોકસભામાં આજે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઇ હતી. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય બંધારણ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. વિપક્ષ કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતાં, શ્રી સિંહે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં બંધારણને એક ચોક્કસ પક્ષના યોગદાન તરીકે રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, બંધારણ એ કોઈ એક પક્ષનું યોગદાન નથી પરંતુ ભારતના મૂલ્યો સાથે જોડાયેલો અદ્વિતીય પરિવર્તનકારી દસ્તાવેજ છે.
ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, બંધારણ એ નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા કવચ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર અનામતની જોગવાઇને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે, બંધારણ દેશના દલિત અને પીડિત લોકોનું સાચું રક્ષક છે. તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 10 વર્ષોમાં દેશનું બિનસાંપ્રદાયિક માળખું જોખમમાં છે.
જનતા દળ યુનાઈટેડના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લાલન)એ કહ્યું કે, બંધારણ સમાજના તમામ વર્ગો માટે સામાજિક અને આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. ટીડીપી સાંસદ ડો. બાયરેડી શબરીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.