રાજ્ય વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.. લાંબા વિરામ બાદ અને ગરમી અને બફારામાં બેચેની અનુભવી રહેલા લોકોને આજના વરસાદન કારણે રાહત થઇ છે. રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારનાં છ થી સાંજના છ કલાક દરમિયાન પૂરા થયેલા છેલ્લા 12 કલાકમાં 28 જીલ્લાના 142 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
જેમાં સૌથી વધુ બોટાદનાં રાણપુરમાં સવા બે ઇંચ, ખેડામાં બે, સુરેન્દ્રનગરના દસાડામાં અને ગીર સોમનાથના ઉનામાં બે-બે ઇંચ, અમદાવાદમાં પોણા બે ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.. કચ્છમાં પણ ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. રાપર તાલુકાના કીડીયાનગર, સઈ, ડાભુંડા, પ્રાગપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે ભુજના ખાવડામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસ્યો હતો.
મહેસાણા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વિરામ બાદ વરસાદ વરસતા પાક ને જીવતદાન મળશે.
બીજીતરફ અસહ્ય બફારા અને ગરમીને કારણે ત્રસ્ત અમદાવાદના લોકોને પણ સવારથી જ ધોધમાર વરસાદ સાથે ગરમીમાંથી રાહત મળી હતી.. ડાંગના વઘઇ અને સાપુતારા સહિતના પંથકોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.
જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો.. સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે નદીમાં પણ પાણીની આવક થતાં વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં..
આ વરસાદ વચ્ચે રાજ્યના 51 ડેમ હાઇએલર્ટ પર છે જ્યારે 27 એલર્ટ પર અને 23 ચેતવણીના મોડ ઉપર છે.. આ વરસાદને કારણે નર્મદા બંધનો જળસંગ્રહ 75 ટકા કરતાં વધુનો થયો છે.. વરસાદને કારણે બે સ્ટેટ એક નેશનલ અને 26 પંચાયત સહિત કુલ 29 માર્ગો અવરજવર માટે બંધ છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:17 પી એમ(PM)
લાંબા વિરામ બાદ રાજ્ચના 142 તાલુકાઓમાં વરસાદ,, વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ