જુલાઇ 12, 2025 1:53 પી એમ(PM)

printer

રોજગાર મેળો વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો હતો કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને તેમને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ કહ્યું કે આજે, વિશ્વ સ્વીકારે છે કે ભારતમાં બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી 16મા રોજગાર મેળામાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. નવા ભરતી થયેલા યુવાનોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની રોજગાર મેળા પહેલથી લાખો યુવાનોએ કેન્દ્ર સરકારમાં કાયમી નોકરીઓ મેળવી લીધી છે. તેમણે ઉમેર્યું કે આ યુવાનો હવે રાષ્ટ્ર નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

શ્રી મોદીએ દેશમાં વિકસિત થઈ રહેલા સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંશોધનના વધતા જતા ઇકોસિસ્ટમ પર ભાર મૂક્યો, અને કહ્યું કે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. શ્રી મોદીએ યુવાનોને નાગરિક કેન્દ્રિત નીતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.