રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું. તેમણે જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવની ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણના પ્રતિષ્ઠિત દેવકા બીચ પરના “નમો પથ” પર સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું.
ગાંધીનગરમાં કલેકટર કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન અને સ્વદેશી શપથ લેવાયા. તેમણે “વંદે માતરમ્”ને આપણાં રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવ્યું.
ભરૂચ, મોરબી, રાજકોટ, સાબરકાંઠાની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ગીત સાથે દેશપ્રેમ અને સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયા.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના તમામ નાના-મોટા 53 મથક પરની કચેરીઓ અને ડેપોમાં પણ “વંદે માતરમ્”નું સમૂહગાન કરાયું.
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં “વંદે માતરમ્”ના સામૂહિક ગાન, સ્વદેશી શપથ ઉપરાંત તેના ઇતિહાસ અને વારસાને દર્શાવતી ટૂંકી ફિલ્મ દર્શાવાઈ.
Site Admin | નવેમ્બર 7, 2025 7:21 પી એમ(PM)
રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી.