રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અલ્જેરીયા, મોરિટાનિયા અને મલાવીની સાત દિવસની સત્તાવાર મુલાકાતે આ રવિવારે જશે. પ્રથમ તબક્કામાં 13થી 15મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જેરીયાની મુલાકાત લેશે. તેઓ અલ્જેરીયાના રાષ્ટ્રપ્રમુખ અબદેલમાદજીદ ટેબોને સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભારત – અલ્જેરીયા આર્થિક મંચ અને સીદી અબ્દેલ્લાહ વિજ્ઞાન ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે સંબોધન કરશે. રાષ્ટ્રપતિની અલ્જેરીયાની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળશે.
બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મુર્મુ 16મી ઓક્ટોબરે મોરિટાનિયાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ મોરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે તેમજ ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે.
ત્યારબાદ તેઓ મલાવીની 17થી 19 ઓક્ટોબરે મુલાકાત લેશે. તેઓ મલાવીના રાષ્ટ્રપ્રમુખ તેમજ ત્યાંના વેપાર અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે.
વિદેશમંત્રાલયના સચિવ દમ્મુ રવિએ આજે દિલ્હીમાં જણાવ્યું હતું કે, ભારત આફ્રિકા સાથે મજબૂત સંબંધોની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, 54 દેશો ધરાવતો આફ્રિકા વિકસિત દેશોમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
ભારત વિકસિત દેશોના વિકાસને ટોચની અગ્રતા આપી રહ્યો છે. આના ભાગરૂપે ભારત અને આફ્રિકાના દેશો સાથેના આર્થિક સંબંધો મજબૂત બની રહ્યા છે. શ્રી રવિએ વધુમાં કહ્યું કે, ભારત અને આફ્રિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષે 100 અબજ ડોલરથી વધી રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:45 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અલ્જેરીયા, મોરિટાનિયા અને મલાવીની સાત દિવસની સત્તાવાર મુલાકાતે આ રવિવારે જશે