નવેમ્બર 26, 2025 7:41 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે કહ્યું – બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણ લોકોની આકાંક્ષાઓને વ્યક્ત કરવા માટે ખૂબ અસરકારક માળખું પૂરું પાડે છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે બંધારણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા લાખો દેશવાસીઓના સામૂહિક શાણપણ, બલિદાન અને સપનાઓને મૂર્તિમંત કરે છે. તેમણે કહ્યું કે મહાન વિદ્વાનો, મુસદ્દા સમિતિ અને બંધારણ સભાના સભ્યોએ લાખો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ગહન આંતરદૃષ્ટિ રજૂ કરી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બંધારણના માર્ગદર્શન હેઠળ, દેશ સુશાસન અને સામાજિક-આર્થિક વિકાસની પરિવર્તનકારી યાત્રા પર આગળ વધી રહ્યો છે.
લોકસભાના અધ્યક્ષે, બંધારણ સભાના તમામ સભ્યો સાથે, ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને પણ શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ નવ ભાષાઓમાં બંધારણના અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું.