નવેમ્બર 12, 2025 7:55 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગૈબોરોનમાં બોત્સવાનાના રાષ્ટ્રપ્રમુખ ડૂમા બોકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે ગૈબોરોનમાં બોત્સવાનાના રાષ્ટ્રપ્રમુખ ડૂમા બોકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. તેમજ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાએ વેપાર અને રોકાણ, ખેતી, આરોગ્ય, સંરક્ષણ, ખાણકામ, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ ટેક્નોલૉજીમાં સહકાર વધારવા અંગે સંમતિ વ્યક્ત કરી.
બંને પક્ષે આરોગ્ય સેવા અને ઔષધી ક્ષેત્રમાં સહકાર પર એક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ મુર્મૂએ બોત્સવાનામાં H.I.V.ના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટી-રૅટ્રોવાયરલ-A.R.V. દવાઓ મોકલવાના ભારતના નિર્ણયની પણ જાહેરાત કરી.
રાષ્ટ્રપ્રમુખ ડૂમી બોકોએ ભારતને ઔષધીઓ, ખાસ કરીને જેનેરિક દવાઓનું અગ્રણી નિર્માતા ગણાવતાં કહ્યું, આ કરાર બોત્સવાનાની ગુણવત્તાયુક્ત તથા રાહત દરની દવાઓ સુધી પહોંચને સરળ બનાવશે. દરમિયાન પ્રૉજેક્ટ ચિત્તા પર પણ મહત્વની જાહેરાત કરવામાં આવી. ચિત્તાઓને લુપ્ત થયાના દાયકાઓ પછી ભારતમાં ફરીથી રજૂ કરવા ભારત દ્વારા આ એક વિશેષ પહેલ છે. તે અંતર્ગત બોત્સવાનાથી આઠ ચિત્તા ભારત મોકલાશે. ચિત્તાઓનું પ્રતિકાત્મક હસ્તાંતરણ આવતીકાલે બોત્સ્વાનામાં સુશ્રી મુર્મૂની ઉપસ્થિતિમાં થશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મૂ અંગોલાના પ્રવાસ બાદ ગઈકાલે બોત્સવાનાનાં પાટનગર પહોંચ્યાં હતા. કોઈ પણ ભારતીય રાષ્ટ્રાધ્યક્ષની આ બંને આફ્રિકી દેશનો પહેલો રાજકીય પ્રવાસ છે.