મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ, મહાસાગર વિઝન અને ગ્લોબલ સાઉથના દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં મોરેશિયસનું વિશેષ સ્થાન છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે ભાગીદારી અને સહયોગ સતત વધી રહ્યો છે અને વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.
શ્રીમતી મુર્મુંએ મોરેશિયસની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને ભારતના સમર્થન પર ખુશી વ્યક્ત કરી અને ભારત દ્વારા આપવામાં આવેલા નવા વિશેષ પેકેજને મોરેશિયસની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ ગણાવ્યું. તેમણે કહ્યું કે હોસ્પિટલો, રસ્તાઓ, બંદરો, વિકાસ પ્રોજેક્ટ્સ, સંરક્ષણ ખરીદી અને સંયુક્ત દેખરેખના ક્ષેત્રમાં સહયોગ માળખાગત સુવિધાને મજબૂત બનાવશે, જેનો ભવિષ્યમાં લોકો પર સકારાત્મક પ્રભાવ પડશે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે દ્વિપક્ષીય સહયોગ હવે ડિજિટલ ટેકનોલોજી અને અવકાશના ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી રામગુલામના નેતૃત્વમાં ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે.
પ્રધાનમંત્રી રામગુલામની આઠ દિવસની ભારત મુલાકાત આજે પૂર્ણ થઈ. આ મુલાકાત દરમિયાન તેમણે વારાણસી, મુંબઈ, અયોધ્યા અને તિરુપતિની પણ મુલાકાત લીધી.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 7:54 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરેશિયસના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંન્ને દેશના દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનશે