ડિસેમ્બર 19, 2025 7:27 પી એમ(PM)

printer

રાજ્યમાં S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર – ચાર કરોડ 34 લાખ જેટલા મતદાર નોંધાયા

ચૂંટણી પંચે આજે વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર કરતાં રાજ્યમાં ચાર કરોડ 34 લાખ જેટલા મતદાર નોંધાયા. આ પ્રક્રિયા દરમિયાન 73 લાખ 73 હજારથી વધુ મતદારના નામ મુસદ્દા યાદીમાંથી કમી કરાયા છે. જ્યારે પાંચ કરોડ આઠ લાખ પૈકી ચાર કરોડ 34 લાખ જેટલા મતદારના ગણતરીપત્રકનું સંપૂર્ણ ડિજિટાઈઝૅશન કરાયું છે.
રાજ્યભરમાં ગત દોઢ મહિનામાં 50 હજાર 963 જેટલા બૂથ સ્તરના અધિકારી – B.L.O-એ ઘરે-ઘરે જઈ ગણતરીપત્રક આપીને મતદારોનો મૅપિંગ અને મૅચિંગની કામગીરી યોગ્ય રીતે પૂરી કરી છે. હવે આગામી 18 જાન્યુઆરી 2026 સુધીમાં મતદારો વાંધા અને દાવા રજૂ કરી શકશે. જ્યારે 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ વાંધા અને દાવાઓનો નિકાલ કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
રાજ્યભરમાં S.I.R. બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા વિસ્તારમાં 62 લાખ 59 હજાર મતદારોને ગણતરીપત્રકનું વિતરણ કરાયું હતું. તેમાંથી 77 ટકા મતદારના ગણતરીપત્રક ભરાઈને આવ્યા અને ઍન્ટ્રી થઈ. જ્યારે 23 ટકા લોકો મૃત્યુ પામેલા, ગેરહાજર અને સ્થળાંતર થયેલા હોવાનું જણાયું.
સુરત જિલ્લામાં S.I.R. પ્રક્રિયા દરમિયાન કુલ 25 લાખ પાંચ હજાર 311 મતદારનું મૅપિંગ કરાયું. તેમાંથી 11 લાખ 17 હજાર 882 મૅપિંગ ન થયેલા મતદાર મળી કુલ 36 લાખ 23 હજાર 193 મતદારની આજે મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.
ભરૂચમાં બે લાખ 15 હજાર જેટલા મતદારના ગણતરીપત્રક પરત ન આવ્યા હોવાનું જણાયું છે. તેવા ગણતરીપત્રકમાં 68 હજાર 107 મતદાર મૃત્યુ પામ્યા છે. જ્યારે 31 હજાર 311 ગેરહાજર, 98 હજાર 534 લોકો જિલ્લામાંથી કાયમી સ્થળાંતર થઈ ગયા છે. જ્યારે 17 હજાર 228 જેટલા મતદાર અન્ય સ્થળે નોંધાયેલા મળ્યા છે.
મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે, જિલ્લામાં 17 લાખ 91 હજારથી વધુ મતદારને ગણતરીપત્રક અપાયા હતા, તેમાંથી 15 લાખ 97 હજાર 517 જેટલા એટલે કે 89 ટકાથી વધુ મતદારનું વર્ષ 2002ની યાદીમાં મેપીંગ થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.