રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાં થતાં જ રાજ્યના કેટલાંક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ્કે સવારના ચાર વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં છ ઇંચ કરતાં વધુ , વલસાડના ઉમરગામમાં અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગ દ્વારા આજથી 4 દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:43 એ એમ (AM)
રાજ્યમાં 56 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નવસારીમાં છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ