વિધાનસભામાં ગઇકાલે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગની ત્રણ હજાર 259 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરી હતી. જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે, આઇ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઇ, વારસાઇ નોંધ, હયાતી હક્ક તેમજ નમૂના-6, નમૂના 7/12 અને નમૂના 8/Aની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય છે. આ પ્રકારે અંદાજે 36 પ્રકારની સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે અને જાન્યુઆરી 2025 સુધી બે કરોડ 91 લાખથી વધુ નકલો ઓનલાઇન જારી કરવામાં આવી છે રાજ્યમાં મહેસૂલી સુધારાની વાત કરતાં મંત્રીએ કહ્યું કે, ખેડૂત ખરાઇના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સરળ બનાવાતાં 55 ટકા જેટલી અરજી ઘટી છે. પ્રિમીયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે 10 ટકા પ્રિમીયમ સાથે બિન ખેતીની પરવાનગી કરી આપવામાં આવશે તેવી પણ તેમણે ગૃહમાં વિગતો આપી હતી. વર્ષ ર૦ર૪માં નોંધણી ફીની આવક બે હજાર 66 કરોડ રૂપિયા થઇ છે અને સ્ટેમ્પ ડયૂટીની આવક 11 હજાર 765 કરોડ થઇ હોવાની માહિતી ગૃહને આપી હતી.
Site Admin | માર્ચ 19, 2025 10:02 એ એમ (AM)
રાજ્યમાં 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી-2025 સુધીમાં બે કરોડ 91 લાખથી વધુ દસ્તાવેજો ઓનલાઇન જારી કરાયા
