ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમા આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે 71 મિલીમીટર વરસાદ આણંદના ખંભાત તાલુકામાં વરસ્યો હતો. જ્યારે ખેડાના કઠલાલ તાલુકામાં 54 મિલીમીટર વરસાદ નોંધાયાના અહેવાલ છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે , ગઈકાલે ભાવનગર જિલ્લાના મહુવામાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.અને ગોહિલવાડ પંથકમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આહવા તાલુકામાં દોઢ કલાકમાં જ 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બપોર બાદથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ મુશળધાર વરસાદને પગલે નદીમાં પાણીની આવક પણ વધી હતી.