જુલાઇ 4, 2025 9:21 એ એમ (AM)

printer

રાજ્યમાં સૌપ્રથમ અમલમાં મૂકાયેલી ‘રિન્ગ ફૅન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ પહેલના પ્રથમ તબક્કામાં 674 બહેનોને સહાય ચૂકવાઈ

રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત ‘રિન્ગ ફૅન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ પહેલ અમલમાં મૂકવામાં આવી છે. આ વિશેષ ડિજિટલ વ્યવસ્થા હેઠળ લાભાર્થી બહેનોનાં વ્યક્તિગત ડિજિટલ વૉલેટમાં સીધી સહાય જમા થશે. આ પહેલના પ્રથમ તબક્કામાં 674 બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સીધી આજીવિકા સહાય મળી છે.આ વર્ષના અંત સુધીમાં અંદાજે 28 હજાર લાભાર્થીઓને ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ પહેલ દ્વારા લાભ અપાશે. મહિલાઓને આર્થિક સક્ષમતા પૂરી પાડવાના હેતુ સાથે રાજ્ય સરકારે આ મહત્વાકાંક્ષી પહેલ અમલમાં મૂકી છે. તે અંતર્ગત નિર્ધારિત 13 મહત્વાકાંક્ષી તાલુકા અને બે મહત્વાકાંક્ષી જિલ્લામાં અંત્યોદય અન્ન યોજના- A.A.Y. કાર્ડ ધરાવતા પરિવારમાંથી 50 હજાર બહેનોને આત્મનિર્ભર બનાવવા સહાય મળશે.રાજ્ય સરકારની જી-સફલ એટલે કે, ગુજરાત સ્કીમ ફૉર અંત્યોદય ફેમિલિઝ ફૉર ઑગમેન્ટિંગ લાઈવલિહૂડ્સ યોજનાની આ પહેલ રાજ્યની સૌથી પછાત પરિવારોની બહેનોને આર્થિક સશક્તિકરણ તરફ લઈ જવામાં અસરકારક સાબિત થશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.