મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ માટે – NRG વેબસાઈટ અને ‘અટલ સ્વાન્ત: સુખાય’ વેબ પોર્ટલ લોન્ચ કરાયું હતું. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આ પોર્ટલના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ઓનલાઇન સેવાઓ સરળતાથી મળી શકશે.
આ કાર્યક્રમમાં ઊર્જા આત્મનિર્ભરતા માટેની પમ્પ હાઈડ્રો સ્ટોરેજ પોલિસી, ગ્રીન હાઈડ્રોજન અને ઈન્ટિગ્રેટેડ એનર્જી પોલીસીના અનાવરણ કરાયું હતું.આ અંગે શ્રી સંઘવીએ જણાવ્યુ કે 5 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ લગાવી દેવાઇ છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નાગરિક દેવો ભવ: ના મંત્ર સાથે રાજય અને કેન્દ્ર સરકાર અનેક પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે.તેમણે સુશાસનમાં કૃત્તિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી.
ભાવનગરમાં ભાજપે વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા અટલબિહારી બાજપાઈજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. શહેર ભાજપ કાર્યાલય, સહિત પ્રત્યેક બુથ સ્તરે શ્રી બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
સુરત મહાનગરપાલિકા “સુશાસન દિવસ” ની ઉજવણી અંતર્ગત ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લામાં સ્વ. વાજપેયીના જીવન ચરિત્ર આધારિત પ્રદર્શન યોજાયું હતું, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.
જુનાગઢ શહેર ભાજપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ દર્દીઓના ખબર અંતર પૂછીને એમના ઝડપી સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)
રાજ્યમાં સુશાસન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા