રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આજે 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 114 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 25 જળાશયને એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 90 ટકા ભરાયો છે. દરમિયાન ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક 24 ફૂટને પાર જતા સંભવિત પુરની પરિસ્થિતિને લઈને નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કહ્યું સમગ્ર પરિસ્થિતિ પર તંત્રની નજર રાખી રહ્યું છે.
તાપી જિલ્લાના ઉકાઇ બંધમાંથી એક લાખ 63 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા નદીની આસપાસના વિસ્તારને એલર્ટ કરાયા છે. જ્યારે ડાંગ જિલ્લાની ગિરા, ખાપરી, અંબિકા, પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે.
 
									 
		 
									 
									 
									 
									