હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
આજે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજયભરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં ભારેથી હળવો વરસાદ નોધાયો છે.
સૌથી વધુ 10 ઇંચ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે નોંધાયો છે. ભારે વરસાદને કારણે હાલોલના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઘણા વાહનો પાણીમાં ડૂબી ગયા તો કેટલાક વાહનો પાણીમાં તણાઇ ગયા હતા.
આ સાથે આણંદના ઉમરેઠમાં 5 ઈંચ ,મહીસાગરના કડાણા અને સંતરામપુરમાં 4 ઇંચ, બોરસદ અને શહેરામાં 3 ઇંચ,  આણંદમાં દોઢ અને આંકલાવ- ખંભાતમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  ઉમરેઠમાં 5 ઈંચ વરસાદ ખાબકતાં હાઈવે ઉપર પાણી ફરી વળ્યાં. વીજળીના ચમકારા અને વાદળના કડાકા સાથે ધોધમાર પડેલા વરસાદથી વાહનચાલકોને મુશ્કેલી ઊભી થઈ હતી. આ ઉપરાંત શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી વેઠવી પડી હતી. બોરસદમાં પણ પડેલા વરસાદને કારણે શહેરના તળાવો છલકાઈ જવા પામ્યા હતા
અરવલ્લી જિલ્લાના જિલ્લા પંથકમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે જ મોડાસા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. યાત્રાધામ શામળાજીમાં પણ સાંજના સમયે સાંબેલાધાર વરસાદ થયો હતો , જેને કારણે બસ સ્ટેશનની સામે હાઇવે પર ભેખડો ધસી પડતા હાઇવે રોડ પર બે કિલોમીટર સુધી રોડ જામ થયો હતો
ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં અચાનક પાણીની આવક થતાં પાનમ કોલોની પાછળ નદી કિનારે વસવાટ કરતા લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. એક ગર્ભવતી મહિલા સહિત કુલ 15 લોકોને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
વલસાડ તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મધુબન ડેમનું જળસ્તર 75.95 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 13 હજાર 193 ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. તેમાંથી 12 હજાર 568 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 31, 2025 8:31 એ એમ (AM)
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ
 
		 
									 
									 
									 
									 
									