ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 12, 2025 7:01 પી એમ(PM)

printer

રાજ્યમાં શરૂ થયેલી મૅટ્રો ટ્રૅનમાં અત્યાર સુધી 10 કરોડથી પણ વધુ લોકોએ મુસાફરી કરી.

રાજ્યમાં લાખો લોકો મૅટ્રો ટ્રૅનમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદમાં દરરોજ સરેરાશ 35 હજાર મુસાફરથી શરૂ થયેલી સંખ્યા હાલ દોઢ લાખથી વધુ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરમાં લાખો લોકો દરરોજ મૅટ્રો ટ્રૅનમાં સફર કરે છે. મૅટ્રો ટ્રૅનમાં અત્યાર સુધી 10 કરોડથી પણ વધુ નાગરિકોએ મુસાફરી કરી છે.
અમદાવાદમાં સૌપ્રથમ વાર માર્ચ 2019માં વસ્ત્રાલ ગામથી ઍપેરલ પાર્ક સુધી સાડા છ કિલોમીટરનો મૅટ્રો ટ્રૅનનો પહેલો ભાગ શરૂ થયો. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં 32 કિલોમીટરની મૅટ્રો લાઈનનું લોકાર્પણ કરતાં અમદાવાદના ઉત્તર—દક્ષિણ અને પૂર્વ—પશ્ચિમ ભાગને જોડતી મૅટ્રો લાઈન શરૂ થઈ. બીજા તબક્કામાં ગાંધીનગર અને અમદાવાદને જોડતો 28 પૂર્ણાંક બે કિલોમીટરનો મૅટ્રો ટ્રૅનનો માર્ગ તૈયાર કરાયો. મોટેરાથી સેક્ટર એક અને ગિફ્ટ સિટી સુધીનો ભાગ સપ્ટેમ્બર 2024માં શરૂ થયો. તો સચિવાલય સુધીનો ભાગ ઍપ્રિલ 2025માં જ ખૂલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ સંપૂર્ણ કાર્યરત્ થતા કુલ 68 કિલોમીટરના માર્ગ પરના 54 મથકને મૅટ્રો ટ્રૅનની સુવિધા મળશે. સુરતમાં પણ 40 પૂર્ણાંક 35 કિલોમીટર લાંબી મૅટ્રો લાઈનનું નિર્માણ થઈ રહ્યું છે.