ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 22, 2025 7:54 પી એમ(PM)

printer

રાજ્યમાં વરસાદી માહોલઃ 147 તાલુકામાં પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ચોમાસાનો માહોલ છે. આજે સવારે છથી સાંજનાં છ વાગ્યા દરમિયાન 147 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પડ્યો છે. જ્યારે જામનગરનાં કાલાવડ તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ સાબરકાંઠાના વડાલીમાં અને 10 ઇંચ વરસાદ ખેડબ્રહ્મામાં નોંધાયો છે.
રાજ્યમાં આજે સવાર સુધી મોસમના સરેરાશ વરસાદની સામે 16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 20.51 ટકા વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નોંધાયો છે, જ્યારે કચ્છમાં 17.67 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 50 ટકા ભરાયો.
અત્યારની સ્થિતિએ 14 ડેમ હાઇ એલર્ટ પર અને નવ ડેમ એલર્ટ પર છે. આઠ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 26 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. અત્યાર સુધી રાજ્યમાં બે હજાર 639 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે એનડીઆરકએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ ગોઠવવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરા અને દમણ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.