રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે રાજ્યનાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી મોસમનાં સરેરાશ વરસાદની સરખામણીમાં 63 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 66 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં નોંધાયો છે.
રાજ્યનાં 31 ડેમ 100 ટકા ભરાયા છે, 51 ડેમ હાઇ એલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે. મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા જીલ્લાના DYSP પી.આર.પટેલે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી એટલે કે 1 જૂનથી 31 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં 27 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
Site Admin | જુલાઇ 31, 2025 7:46 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુઃ ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા