રાજ્યભરમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ રહી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યભરના 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ કરતાં વધુ જૂનાગઢના માણિયા હાટિનામાં પોણા ત્રણ ઇંચ જ્યારે કચ્છના અબડાસા તેમજ ડાંગના આહવામાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ભાટિયા અને રાવલની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. ખંભાળિયાના ભાડથર, માંઝા, વીંજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના ચાર તાલુકામાં ગઇકાલે નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. મહુવામાં 1 ઇંચ જ્યારે પાલીતાણા અને શિહોરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.બનાસકાંઠાના કાંકરેજ, ભીલડી, દિયોદર સહિતના પંથકમાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.જૂનાગઢ જિલ્લામાં સીઝનનો 50% જેટલો વરસાદ નોંધાયો છે. ગઇકાલે જીલ્લામાં સારોએવો વરસાદ થતાં કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 10:23 એ એમ (AM)
રાજ્યમાં મેઘમહેર યથાવત્, સવારના ચાર વાગ્યા સુધીમાં 190 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ