રાજ્યના 203 તાલુકામાં ગઇકાલે વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના સુબીર, સુરતના બારડોલી અને પલસાણા તાલુકામાં 5 ઇંચ જ્યારે ભાવનગરના વલભીપૂરમાં 4.09 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગરનો શેત્રુંજી ડેમ બીજી વખત ઓવરફલો થતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા હતા. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં ડેમના 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા.નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવનાને પગલે 550 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરમ્યાન જિલ્લા કલેકટરએ વિવિધ આશ્રયસ્થાનની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ વિશે સ્થળાંતરિત થયેલા લોકો સાથે વાતચીત કરી હતી. ભારે વરસાદના પગલે વાંસદા પાસેથી પસાર થતી કરાવેલું નદીમાં પાણી સપાટી વધતાં હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા હતા.ગણદેવીની વેગણિયા નદી પણ બે કાંઠે વહી રહી છે. વાંસદા તાલુકાના જુજ અને કેલીયા ડેમ 70 ટકા થી વધુ ભરાતા નીચાણવાળા વિસ્તારમાં ન જવા લોકોને ચેતવણી અપાઈ છે.સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાંથી પસાર થતી મીઠીખાડી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને તેનું સ્તર પોણા 8 મીટર સુધી પહોંચ્યું છે.સરથાણા ઝોન સહિતના વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે.તાપી જિલ્લામાંથી પસાર થતી વાલ્મિકી, પુર્ણા, અંબિકા, મીંઢોળા સહિતની નદીઓ બે કાંઠે વહેતા નદીઓ પરના લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા છે.દરમ્યાન સોનગઢના હીંદલા પાસેનો ચિમેર ધોધ જીવંત થતાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.અરવલ્લીના મોડાસા સાકરિયા અને માથાસુલિયા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.
Site Admin | જુલાઇ 7, 2025 8:53 એ એમ (AM)
રાજ્યમાં મધ્યરાત્રી સુધીમાં 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ – નવસારીમાં સાડા પાંચસો લોકોનું સ્થાળાતંર