ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)

printer

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ભાવનગરના મહુવામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાલિતાણાનો શેત્રુંજી બંધ ફરી એક વાર સંપૂર્ણ ભરાતા બંધના 20 દરવાજા ખોલાયા છે. હજી પણ ત્રણ દિવસ વરસાદની આગાહીને જોતાં લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ બસલે અપીલ કરી છે.
તાપીમાં ગત બે દિવસથી વ્યારા, વાલોડ, ડોલવણ, બાજીપૂરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ, સોનગઢ તાલુકાનો ડોસવાડા બંધ ફરી સંપૂર્ણ છલકાયો છે. ઉકાઈ બંધ ભયજનક સપાટીએ પહોંચતાં તેના ત્રણ દરવાજા ખોલી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. સાથે જ કાંઠાના ગામોને સાવચેત કરાયા છે.
ડાંગમાં ગત 24 કલાકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ આહવા અને સુબીર તાલુકામાં થયો.
અરવલ્લીમાં સવારથી માલપુર, મોડાસા, મેઘરજ સહિતના તાલુકામાં વરસાદી માહોલ છવાયો. જ્યારે મગફળી, સોયાબિનના પાકને નુકસાન થયાના પણ અહેવાલ છે.
પાટણ અને મહેસાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો, દેવભૂમિ-દ્વારકાના દરિયામાં સંભવિત તોફાનને લઈ ઓખા ભારતીય તટરક્ષકે માછીમારોને પરત જવા સૂચના આપી છે. ઓખા બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ આજે ત્રીજા દિવસે પણ યથાવત્ રખાયું છે. દરિયા કિનારે છથી સાત ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યાં.
બોટાદના પાળીયાદ, ગઢડા, સાળંગપુર માર્ગ સહિતના વિસ્તારમાં વરસાદ થયો.
છોટાઉદેપુર જિલ્લામાં ઊંચાપાન, ડુંગરવાન્ટ, ઝોઝ વિસ્તારમાં આખી રાત વરસાદ થયો. કેટલીક જગ્યાએ પાકને પણ નુકસાનના અહેવાલ છે