રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા ચાર ઇંચ જેટલો વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં થયાના અહેવાલ છે. જ્યારે વલસાડના પારડી અને જુનાગઢના ભેસણ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સિવાય નવસારીના ખેરગામ, તાપીના વ્યારા સહિત આઠ તાલુકામાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ ઓગણએંસી ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે.
મહીસાગરમાં રાજ્યના ત્રીજા નંબરના કડાણા બંધમાં નવા નીરની આવક થતાં છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી 39 હજાર 600 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું.
મહેસાણામાં આ મોસમમાં 72 ટકા વરસાદ વરસી ગયો છે.
સત-લાસણામાં 100 ટકાથી વધુ અને જોટાણામાં 52 ટકા વરસાદ થયો છે. ધરોઈ બંધમાં હાલ ઓગણસાઇઠ હજાર ક્યૂસેક પાણીની નોંધાતા બંધમાં 94 ટકાથી વધુ પાણીનો જથ્થો એકઠો થયો. બંધની સપાટી પણ 620 ફૂટે પહોંચી છે. તેના કારણે નદી કાંઠાના ગામડાઓને સતર્ક કરાયા હતા. પાણીની આવકને લઈ રાત્રે બંધના બે દરવાજા ખોલાયા.
તાપીમાં પણ ગત પાંચ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. આજે સવારથી વ્યારા અને સોનગઢ પંથકમાં ધોધમાર વરસાદ થતાં આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોને અસર થઈ છે.
વરસાદને કારણે રાજ્યના 58 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. દરમિયાન 77 બંધ હાઈ-અલર્ટ પર રખાયા છે. બીજી તરફ, રાજ્યમાં અત્યારે પાંચ રાજ્ય ધોરીમાર્ગ સહિત 146 જેટલા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 3:32 પી એમ(PM)
રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો.