ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 8, 2025 2:32 પી એમ(PM)

printer

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરમિયાના આજે સવારે અનેક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે.
તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે, એક દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ શરૂ થયો. વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
દેવભૂમિદ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, વાડીનાર વિસ્તારમાં ધોધમાર વરસાદમાં અનેક ઊંટ તણાઈ ગયા. તેની જાણ થતાં સ્થાનિક તંત્રએ ઊંટને બચાવવા દરિયામાં બચાવ અભિયાન હાથ ધર્યું. જોકે, આ ઘટનામાં અંદાજે પાંચ જેટલા ઊંટના મોત થયાના અહેવાલ છે.
દરમિયાન, વરસાદના કારણે અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના કુલ 49 કિલોમીટર લંબાઈના રસ્તામાંથી 33 કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગોનું સમારકામ પૂર્ણ કરાયું છે.