ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 24, 2025 2:39 પી એમ(PM)

printer

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માત્ર સુરતમાં જ 16 ઈંચથી વધુ વરસાદના અહેવાલ છે. શહેરના વરાછા ઝૉન એ અને બી, ઉના, સરોલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેને લઈ ગઈકાલથી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ છે.
સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સતત વરસાદના કારણે જિલ્લા કલેક્ટરના આદેશથી સવારની પાળીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. ઉપરાંત સુરત સણિયા હેમાદ ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે, જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદી અને બંધમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બંધમાં પાણીની આવક વધી છે. વ્યારા શહેરની મોટા ભાગની શાળાઓમાં આજે રજા પણ જાહેર કરવામાં આવી છે. વરસાદ વચ્ચે હાલ ગ્રામીણ વિસ્તારના નવ માર્ગ બંધ સ્થિતિમાં છે.
અરવલ્લીના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે, મોડાસા પંથકમાં ત્રણ જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે.
જ્યારે મોડાસા દઘાલિયા ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ જોવા મળી. તેમજ રસ્તા પર પાર્ક કરેલી બે કાર અને બે મોટરસાઈકલ પણ તણાઈ ગઈ હતી.
ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, ભરૂચ શહેરમાં વરસેલા ત્રણ ઈંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગત 24 કલાકમાં જિલ્લાના નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.