રાજ્યમાં ગત 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો થયો છે.
નવસારીમાં વરસાદને કારણે શહેર અને જલાલપોર વિસ્તારની આંગણવાડી અને શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી. જ્યારે અન્ય વિસ્તારોમાં શાળાઓએ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાનો રહેશે.
તાપીમાં વરસાદી માહોલ વચ્ચે બંધમાં પાણીની આવકમાં વધારો થયો. હાલમાં ઉકાઈ બંધમાં 36 હજાર 507 ક્યૂસેક પાણીની આવક નોંધાતા બંધની સપાટી 322 ફૂટ સુધી પહોંચી. જોકે, બંધની ભયજનક સપાટી 345 ફૂટની છે. બીજી તરફ સોનગઢ તાલુકામાં ક્વિન નૅકલેસ તરીકે ઓળખાતા ચિમેર ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સહેલાણીઓ ધોધને નિહાળવા આવતા હોય છે.
ડાંગના કોષમાળ ગામમાં આવેલા ભિગુ ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.
કચ્છમાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા. ભુજમાં થયેલા પાંચ ઈંચ વરસાદથી રેલવેમથક માર્ગ પર પણ પાણી ભરાયું.
સમગ્ર માર્ગ બેટમાં ફેરવાતા એક બાજુની અવરજવર પણ બંધ કરવામાં આવી. ભુજ, નખત્રાણા, દેસલપુર વાંઢાય, વિથોણ, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તાર તેમજ ભુજોડી, માધાપર, મિરઝાપર, માનકુવા સહિતના વિસ્તારમાં આખી રાત અવિરત વરસાદ વરસ્યો.
મહેસાણામાં વરસાદના કારણે ધરોઈ બંધ અત્યાર સુધી 65 ટકા જેટલો ભરાયો. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 25 ઈંચ જેટલો વરસાદ થયો છે.
 ભરૂચ જિલ્લામાં ગત 24 કલાકમાં સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ વાગરા તાલુકામાં થયાના અહેવાલ છે. ઉપરાંત કીમ નદીમાં નવા નીરની આવક થતાં હાંસોટના સાલોહ ગામ નજીકની આ નદી બંને કાંઠે વહેતી થઈ. નદીનું જળસ્તર હજી વધશે તો અંકલેશ્વરથી સુરતને જોડતા રાજ્ય રાજમાર્ગ પર વડોલી ગામ નજીકના માર્ગ પર વાહન વ્યવહારને અસર થઈ શકે છે.
પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. આ તાલુકામાં ચોમાસાની શરૂઆતના 21 દિવસમાં જ સરેરાશ સાડા 28 ઈંચ વરસાદ થયાના અહેવાલ છે. તો તાલુકાની તમામ નદીઓ તેમજ કોતરો, કડા, લફણી અને તરગોડ બંધ ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. તેમજ કડા બંધ અને હાથણી માતાના ધોધમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
ભાવનગરમાં ગત બે દિવસથી મેઘરાજાનું આગમન થયું છે. સિહોર તાલુકાના રામધરી પાસે ચોર-વડલા તળાવ છલકાતા સમગ્ર પંથકમાં આનંદ જોવા મળ્યો.  ચોર-વડલા જળસિંચન યોગના તળાવ અગાઉ અધુરું રહ્યું હતું, જે આજે છલકાઈ ગયું છે. આના કારણે આસપાસના ચારથી પાંચ ગામના ખેડૂતોએ રાહત અનુભવી છે.
Site Admin | જુલાઇ 7, 2025 3:14 પી એમ(PM)
રાજ્યમાં ગત 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો થયો છે