રાજ્યમાં ગત 24 કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. આ તમામ દુર્ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડમાં તિથલ ફરવા આવેલા બિલિમોરાના એક દંપતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. અમારા પ્રતિનિધિ નવિન પટેલ જણાવે છે, અજાણ્યા વાહનચાલક અને દંપતીની મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં ચાલકનું ઘટનાસ્થળે, જ્યારે તેમનાં પત્નીનું સારવાર દરમિયાન મોત થયું છે. તો ઘટનામાં 11 વર્ષની એક બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને વલસાડની સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.
મોરબીમાં ભરતનગર નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક યુવકને મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બાઈકમાં સવાર આ ત્રણેય યુવક રવાપર નદી ગામ પાસે રહેતા હોવાનું જણાયું છે.
દિલ્હી—મુંબઈ ઍક્સપ્રેસ રાજમાર્ગ પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સુરતના બે લોકોના મોત થયાના છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં તેમને વડોદરાની હૉસ્પિટલમાં ખસેડાયા છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:07 પી એમ(PM)
રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં પાંચ લોકોના મોત