ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 4, 2025 5:33 પી એમ(PM)

printer

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૫-૫ ઇંચ, જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં ૪-૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યનાં 115 તાલુકામાં મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાડા ત્રણ ઇંચ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશની સામે 39 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 41 ટકા દક્ષિણ ગુજરાત અને 40 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે.
વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે આજે સવારે 6:00 થી બે વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં સૌથી વધારે અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. 1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 36 ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 48 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વલસાડ શહેર અને ખેરગામ રોડ પર આવેલા 44 ગામોને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે.
દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ અને લાંબા પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ભાટિયા વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, સાર્વત્રિક વરસાદથી જામનગરનો રણજીતસાગર ડેમ ફરી એક વખત છલકાઈ ગયો છે. જિલ્લાના જોડિયા, ધ્રોલ, કાલાવડ, લાલપુર, જામનગર અને જામજોધપુર તાલુકામાં ઓછા વધતા અંશે વરસાદ નોંધાયો છે અને ઉપરવાસમાં પણ સારો વરસાદ પડતાં રણમલ તળાવમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે અને રંગમતી ડેમ પણ છલકાઈ ગયો છે.