રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદનું જોર ઘટ્યું છે. છતાં કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ હોવાથી આ પ્રદેશમાં સામાન્ય જનજીવનને અસર થઈ છે.
દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો. ગત બે દિવસથી સતત વરસાદને લઈ બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ, જ્યારે કચ્છનો રાપર તાલુકો હજી પણ પાણીમાં ગરકાવ છે.
ભારે વરસાદને લઈ ભચાઉ અને રાપરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભચાઉનું નરાગામ હાલ સંપર્કવિહોણું બન્યું છે. વરસાદને લઈ આજે સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું. તેમજ જિલ્લાની ST બસોના 10 રૂટ અને 18 ફેરા બંધ કરાયા હોવાનું કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે બંધ રહી.
પાટણમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ પોણા આઠ ઇંચ જેટલો વરસાદ સાંતલપુર તાલુકામાં થયાના અહેવાલ છે.
મોરબીનો મચ્છુ બે બંધ 90 ટકા જેટલો ભરાતા મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના નવ ગામને સાવચેત કરાયા છે. લોકોને મચ્છુ નદીના પટમાં ન જવા પણ વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.
તો ડાંગમાં વરસાદને લઈ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે 10 જેટલા માર્ગ બંધ રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)
રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદનું જોર ઘટ્યું….
