રાજ્યમાં આજે 135 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ સુરત શહેરમાં વરસ્યો છે. જ્યારે સુરતના કામરેજ અને પલસાણામાં પણ છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 18 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ભારે વરસાદને પગલે સુરત શહેરમાં રેસ્કયુ કામગીરી માટે સુરત ફાયર કંટ્રોલ વિભાગ દ્વારા ૦૨૬૧-૨૪૧૪૧૯૫, ૨૪૧૪૧૯૬, ૨૪૧૪૧૩૯ તેમજ ૯૭૨૪૩૪૬૦૨૨ સંપર્ક નંબર પર જાહેર કરાયા છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇ પણ આપાતકાલીનમાં ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના 0261-2663200, 2663600, પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0261-2241301/2/3 પર સંપર્ક કરવા જણાવાયું છે. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળાઓ, રહેણાંક વિસ્તારોમાંથી બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 112 વ્યક્તિઓ, બાળકોનું સ્થળાંતર કરાયું હતું. દરમિયાન, સુરત સહિત ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે રાંદેર – સિંગણપોર ક્રોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.
રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો, 15 જેટલા જળાશય હાઇ એલર્ટ પર છે, જ્યારે 10 એલર્ટ પર અને 13 વોર્નિંગ પર છે. 10 જળાશય 100 ટકા સુધી ભરાયા છે. ભારે વરસાદને પગલે અમદાવાદમાં NDRFની એક અને SDRFની બે વડોદરામાં SDRFની બે, સુરતમાં NDRF અને SDRFની એક-એક ટુકડી તહેનાત રખાઇ છે.
દરમિયાન, રાજ્યમાં અત્યાર સુધી 229 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે જેમાં ભાવનગરમાં 128, અમરેલીમાં 69 અને બોટાદમાં 24 લોકોને બચાવાયા છે.
Site Admin | જૂન 23, 2025 7:12 પી એમ(PM)
રાજ્યમાં આજે 135 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સુરતમાં સાડા નવ ઇંચ વરસાદથી જળબંબાકાર