ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 2, 2025 6:59 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે 101 તાલુકામાં હળવોથી ભારે વરસાદ- આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આજે 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના વાલોદમાં 3 ઇંચથી વધુ અને ડોલવણમાં પોણા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ડોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર પાણી ફરી વળતા પૂલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ જેટલા રસ્તાઓ બંધ કરાયા છે. ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા ગોલણ નદીમાં પૂરની સ્થિતિની શક્યતાને જોતાં નદી કિનારાના ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાની દમણ ગંગા નદી સ્થિત મધુબન જળાશયમાં પાણીની આવક વધતા કુલ સાત દરવાજા 1.70 મીટર ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણ વાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 34 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો, રાજ્યના 21 જળાશય હાઇએલર્ટ છે જ્યારે 13 જળાશય એલર્ટ પર છે. રાજ્યના 15 જળાશય 100 ટકા ભરાયા છે. દરમિયાન, ભારે વરસાદને પગલે રાજ્યમાં 97 માર્ગ બંધ કરાયા છે.