રાજ્યમાં આજે સવારે છથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાત ઈંચ વરસાદ સુરત શહેરમાં વરસ્યો છે. જ્યારે સુરતના કામરેજ સહિત 14 તાલુકામાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 18 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સુરત શહેરમાં દસ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં પોણા છ ઈંચ વરસાદ થતાં શહેરમાં જનજીવન થંભી ગયું. શહેરના ખ્વાજાનગર, માન દરવાજા વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાઈ જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દરમિયાન કલેક્ટરે બપોરની પાળીના શાળાના બાળકોને રજા આપવા સૂચન કર્યું.
રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે, ભાદર બે બંધનો એક દરવાજો 0.3 મીટર ખોલાતા હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
તાપીમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત્ છે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે, બપોરે 12 વાગ્યા સુધીમાં વ્યારામાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, વરસાદના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ આહવા તાલુકામાં નોંધાયો.
Site Admin | જૂન 23, 2025 2:28 પી એમ(PM)
રાજ્યમાં આજે સવારે છથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.