સપ્ટેમ્બર 2, 2024 7:36 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢમાં 8.58 ઇંચ, વ્યારામાં 8.23, જ્યારે ડાંગના વઘઇમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે.

તાપીમાં ભારે વરસાદને પગલે વ્યારાના પાનવાડી ગામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 અને 56 પર પાણી ફરી વળતા સતર્કતાના ભાગરૂપે બંધ કરાયો છે. ડોલવણ તાલુકામાં પંચોલ ગામે આવેલ આશ્રમ શાળામાં ઓલણ નદીના પાણી ભરાતા એનડીઆરએફની ટીમે 200 જેટલા બાળકોને આશ્રમ શાળાના પહેલા માળે સુરક્ષિત ખસેડયા હતા. જિલ્લાના કાટગઢ ગામની સીમમાં પાણી ભરાઈ જતાં હાઇવે બંધ કરાયો હતો. વ્યારામાં આવેલ જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી પ્રવેશતા દર્દીઓની સમસ્યા વધી હતી. વાલોડ તાલુકાના બહેજ ગામ નજીક નદીમાં ફસાયેલા બે વ્યક્તિને હેલિકોપ્ટરથી બચાવી લેવાયા હતા

નવસારી જિલ્લાના વાંસદામાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે..વાંસદા તાલુકાના સરા ગામમાં વરસાદી પાણી ફરી વળતાં પાંચ કલાક સુધી ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લાના સરા અને ખંભાલિયા ગામના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ૧૩ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

ઉપરવાસના ડાંગ તેમજ તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે, દર કલાકે પૂર્ણા નદીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે.

મહુવા તાલુકાની ઓલણ નદીમાં પણ પૂર આવતાં મામલતદાર દ્વારા સાયરન વગાડી સ્થાનિકોને સાવચેત કરવામાં આવ્યા હતા. મહુવા તાલુકાના ત્રણ જેટલાં માર્ગો પર પૂરના પાણી ભરાતા માર્ગ બંધ કરાયા.

કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ૩૫૦થી વધુ ટીમ નાગરિકોની મેડિકલ તપાસ, સર્વેલન્સ સહિતની તબીબી કામગીરીમાં જોડાઈ છે. ગામડાંઓમાં પીવાના પાણીના ટાંકામાં યોગ્ય ક્લોરિનેશન થાય તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી સુપર ક્લોરિનેટેડ કર્યા બાદ ઉકાળીને પીવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા ખાડા ખાબોચિયા વાળા વિસ્તારોમાં દવાઓના છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.‌

અમદાવાદ શહેરી વિસ્તારમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગાંધીનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.