ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 2:29 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આજે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આજે વાવાઝોડા સાથે ચાર તાલુકામાં વરસાદ નોંધાયો. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, સરેરાશ 26 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો હતો. દરમિયાન કોઈ જગ્યાએ નુકસાનીના કોઈ અહેવાલ નથી.
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું. દરમિયાન મહુવા અને તળાજા તાલુકામાં સવારે વરસાદ વરસ્યો.
દીવનાં અમારાં પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે, દીવમાં વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. દીવ નગરપાલિકા દ્વારા લોકોના ઘરમાંથી પાણી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન દીવનો દરિયો પણ તોફાની બન્યો હોવાના અહેવાલ છે.
મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, જિલ્લામાં વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. જ્યારે કડી ખાતે હૉર્ડિંગ્સ પડી જતાં એક પશુનું મોત થયું છે. જ્યારે ઊંઝામાં રસ્તા પરથી પસાર થતાં એક યુવક પર હૉર્ડિંગ્સ પડતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ વડનગરના ઉડણી ગામ ખાતે દીવાલની ઈંટો પડતાં એક બાળક પણ ઈજાગ્રસ્ત થયા છે.
નવસારી જિલ્લામાં ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી ભારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે, રાત્રે 10થી 12 વાગ્યા સુધી નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો.
સત્તાવાર યાદી મુજબ, આજે સવારે છ-થી 12 વાગ્યા સુધી 35 તાલુકામાં હળવોથી સામાન્ય વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધારે સવા બે ઈંચથી વધુ વરસાદ ભાવનગરના મહુવા અને ભરૂચના હાંસોટ તાલુકામાં વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે ભરૂચના નેત્રંગ, ભરૂચ, વાલિયા, ઝઘડિયા અને વાગરા, સુરતના માંગરોળ કામરેજ અને ઓલપાડ, અમદાવાદના ધોલેરા સહિતના તાલુકામાં એકથી બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ