ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 7:11 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી બે જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી બે જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળા સુધી માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની તેમજ કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયામાં તોફાનની આગાહીને લઈ રામસેતુ અને નમો પથ બીચના દરિયામાં પ્રવેશદ્વાર બંધ કરાયા છે. દમણ વહીવટી તંત્રએ માછીમારોને પણ પરત બોલાવી લીધા છે.
વલસાડમાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પૂરવઠો ખોરવાયો. વીજકર્મીઓએ મોડી રાત સુધી કામગીરી કરી વીજ પૂરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો. ઉપરાંત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના સરવેની કામગીરી હાથ ધરાઈ છે.
છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં જાહેર રસ્તાઓ બંધ થઈ ગયા. દરમિયાન જેતપુરપાવી તાલુકાના બોરઘા ગામના એક ઘરમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાના પણ અહેવાલ છે. અમરેલીમાં ધારી શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો. દલખાણિયા બોરડી દૂધાળા સાથે પાણિયાધારી, ચલાલા, ઝર, મોરઝર, છતડીયા, ખીચા, જીરા, સરસિયા અને ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે. તો અનેક માર્ગ પર પાણી ફરી વળ્યાના પણ દ્રશ્યો જોવા મળે છે.
ડાંગ જિલ્લામાં ગત બે દિવસમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો. વરસાદના કારણે અસરગ્રસ્ત 62 જેટલા કાચા અને 58 જેટલા પાકા મકાનમાં રહેતા લોકોને સહાય આપવામાં આવી છે.
અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ. ત્યારે સાકરિયા ગ્રામ પંચાયત દ્વારા 20 જેટલા મકાનનો સરવે હાથ ધરાયો હોવાનું તલાટી કમ મંત્રી-ચંદ્રિકા પાંડોરે જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ