રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ તેની કુલ સંગ્રહક્ષમતાનો 51 ટકા ભરાઈ ચૂક્યો છે.
જો કે આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે પાંચ તાલુકામાં નહિંવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને 23 જૂન સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આજે સવારે પૂરા થયેલા 24 કલાકમાં ડાંગ આહવા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદી બે કાંઠે વહી રહી છે.
ભરૂચના હાંસોટથી કંટીયાળજાળને જોડતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે વનખાડીના પાણી માર્ગ પર ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉપરવાસમાં પડેલા વરસાદથી ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં 11 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી..314.96 ફુટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ છે.
Site Admin | જૂન 20, 2025 3:10 પી એમ(PM)
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસ્યો