રાજ્યમાં ચોમાસાની આ મોસમમાં સાર્વત્રિક વરસાદને લઈ અત્યાર સુધી કુલ સરેરાશ વરસાદ 108 ટકાથી વધુ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં 97 ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરબંધમાં 93 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. બીજી તરફ, રાજ્યના કુલ 206માંથી 145 બંધ હાઈ—અલર્ટ એટલે કે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે.બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે ૯૫ ટકા ભરાયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે બનાસ નદીમાં 2 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યુ કે, ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભુગર્ભ જળના તળ ઊંચા આવશે. તેમણે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રેહવા જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ તાલુકાના કુલ 110 ગામના અંદાજે 45 હજાર 823 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે.દરમિયાન ગઇકાલે છોટા ઉદેપુરના બોડેલીમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ થયાના અહેવાલ છે. બોડેલી, અલીપુરા, ઢોકલીયા, ચાચાક વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)
રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકા ખરિફ પાકનું વાવેતર કરાયું
