રાજ્યમાં વિશેષ મતદાર સુધારણા કાર્યક્રમને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
રાજ્યમાં હાલ મતદાર સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ લોકશાહીમાં પ્રજાના મતની અધિકારીતાનું મહત્વ સમજાવતા SIR અંતર્ગત BLO અધિકારી આવે ત્યારે તેમને સહયોગ કરવા અપીલ કરી હતી.
દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આજે પણ કાચા રસ્તા હોય SIR ની કામગીરી કરવા મહિલા બી.એલ.ઓ કર્મચારી ઝેરોક્ષ મશીન માથે લઈને પહોંચી, પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવી રહી છે. હાલ ખાસ સઘન મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરી ચાલી રહી છે, જેમાં દરેક મતદાન મથક પર BLO કામગીરી કરી રહ્યા છે, ત્યારે કુપ્પા મતદાન મથકના મહિલા બી.એલ.ઓ સાંકડીબારી ગામે SIR ની કામગીરી કરવા પોહચ્યાં હતા, ત્યારે મતદારો ને એક ઝેરોક્ષ અને ફોટો કોપી કઢાવવા 200 રૂપિયા નો ખર્ચ કરી નસવાડી જવું ન પડે તે માટે બી.એલ.ઓ તેના પોતાના ભાઈને પણ આ કામગીરી માં જોડ્યો. અને મોટર સાયકલ ડુંગરા ચઢી નહીં શકે ત્યાં ઝેરોક્ષ મશીન માથે મૂકી SIR ની કામગીરી કરીને અન્ય માટે પ્રેરણાદાયી કામગીરી કરી રહ્યાં છે.
ગીરસોમનાથ – શિક્ષણ-સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ આજે કોડિનાર તાલુકાના છારા ગામની મુલાકાત લીધી હતી.
મંત્રીએ છારા ગામના નાગરિકોને સઘન મતદાર યાદી અંગે માહિતગાર કર્યા હતા. તેમણે કોડિનાર શહેરના રામદેવનગર મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.
દરમિયાન મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરતમાં ગઇકાલે અને આજે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજે રવિવારે પણ મતદાન મથકે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જ્યારે વલસાડ તાલુકામાં SIR ની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઇ છે. વલસાડ વિધાનસભા મતવિસ્તારમાં ફરજ બજાવતા બુથ લેવલ અધિકારી અસ્મિતા પટેલે SIR ફોર્મનું 100 ટકા ડીજીટલાઇઝેશન કામ પૂર્ણ કર્યું છે, જે બદલ પ્રાંત અધિકારી દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
Site Admin | નવેમ્બર 23, 2025 7:13 પી એમ(PM)
રાજ્યભરમાં વિશેષ મતદાર સુધારણા અભિયાનને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે